અસમાનતા ફરી સમાચારોમાં છે. ખાસ કરીને સંસદનું બજેટસત્ર શરૂ થયું હોય ત્યારે તો અસમાનતાની વાતો વધારે જોરશોરથી કરવામાં આવે છે. ફ્રાન્સના અર્થશાસ્ત્રી થૉમસ પિકેટી ભારતમાં આવ્યા ત્યારે તેઓ જગતમાં અસમાનતા વિશે ઘણું બોલ્યા હતા. તેમનો જવાબ હતો કે અત્યંત ધનિક લોકો પર ટેક્સ નાખવો જોઈએ. પછી ભારતીય કંપનીઓમાં વેતન માળખામાં મોટા તફાવત વિશેનો અહેવાલ આવ્યો. સીઇઓના તોતિંગ પગારો સામે આક્રોસ વ્યક્ત કરાયો. ટીવી ચેનલો અનેક બેન્કોમાં નાદારી નોંધાવી ચૂકેલા વિજય માલ્યાની વૈભવી જીવનશૈલી પર તૂટી પડ્યા. ઘણે દૂર અમેરિકામાં પણ અસમાનતાના આલાપના કારણે હિલેરી ક્લિન્ટનના ચૂંટણી અભિયાન પર સંકટના વાદળો છવાયા છે.
સમાનતાની ઈચ્છા માનવીય પ્રકૃતિ છે પણ તેના વિશે ઉતાવળે પ્રતિક્રિયા આપવાનું આપણે ટાળવું જોઈએ. ભારતમાં વિકાસના તબક્કે આપણે તકોનું સર્જન કરવામાં અને દારુણ ગરીબી દૂર કરવા પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. હું હમેશા કહેતો રહું છું કે જ્યાં સુધી અંબાણી ઢગલાબંધ નોકરીઓ સર્જે છે, પોતાનો ટેક્સ ચૂકવે છે અને સમાજ માટે સંપત્તિનું સર્જન કરે છે ત્યાં સુધી તેઓ કેટલી કમાણી કરે છે એની સાથે મને કોઈ નિસ્બત નથી. સામાન્ય માણસ તો પોતાનું વિચારે છે અને શક્ય હોય ત્યાં સુધી મિત્રો-સ્વજનો સાથે સરખામણી કરી લે છે. તે ક્યારેય અત્યંત સમૃદ્ધ લોકો સાથે પોતાની તુલના કરતો નથી. અન્યોની જીવનશૈલીની સમિક્ષા બાબતો પર નિયંત્રણ રાખવાની લાલચ પેદા કરે છે અને એકાધિકારવાદી સમાજની દિશામાં મોટું પગલું છે. આડંબરમુક્ત જીવન જીવવું ધાર્મિક આહવાહન છે, કાનૂની કર્તવ્ય નહીં. તેથી અસમાનતાની દલીલો દરેક સ્તરે પ્રસ્તુત હોતી નથી.
ભારતે મોદીની પસંદગી એટલા માટે કરી કારણ કે તેમણે ચર્ચાને અસમાનતાથી હટાવીને તકો પર કેન્દ્રીત કરી. તેમણે બનાવટી 'મનરેગા કામો'ના બદલે વાસ્તવિક નોકરીઓનું વચન આપ્યું. કમનસીબે અર્થતંત્ર હજુ પણ સંકટમાં છે અને તેમણે પોતાનો વાયદો પાળ્યો નથી. તેથી આગામી બજેટ નોકરીઓ પેદા કરવા પર કેન્દ્રીત હોવું જોઈએ અને રીતે તેનું મૂલ્યાંકન થવું જોઈએ. સરકાર માળખાકીય સુવિધાઓમાં રોકાણ દ્વારા નોકરીઓ પેદા કરી શકે છે. પણ ચર્ચા વાતે છે કે શું જેટલીએ રાજકોષીય ખાધનું લક્ષ્ય હાંસલ કરવાનું વચન તોડીને ક્ષેત્રમાં મોટાપાયે રોકાણ કરવું જોઈએ કે નહીં. પાછલી અસરથી ટેક્સ વસુલવાની પદ્ધતિના કારણે ભારત વિશ્વાસપાત્ર અને વેપાર-ધંધો કરવા માટેના શ્રેષ્ઠ સ્થળ તરીકેની પ્રતિષ્ઠા ગુમાવી ચૂક્યો છે. હું ઈચ્છું છું કે તેઓ વાયદો પાળે.
જેટલીએ ખાનગી કંપનીઓ (એસયુયુટીઆઇ)માં મોટાપાયે સરકારી શેરો વેચીને નાણા ઉભા કરવા જોઈએ. જાહેર સાહસોના શેર પણ વેચવા જોઈએ. નબળી સરકારી બેન્કોમાં સૌથી પહેલા ડિસઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. બેન્કોની કફોડી સ્થિતિનો ઉપાય એક છે કે બેન્કોમાં સરકારી ભાગીદારી 50 ટકા કરતા ઓછી કરવામાં આવે. તેના દ્વારા એવો શક્તિશાાળી સંદેશ જશે કે મોદી સુધારાઓ કરીને ભારતને વેપાર-ધંધા માટે અનુકૂળ બનાવવા માટે ગંભીર છે અને રીતે તે તકો અને નોકરીઓનું સર્જન કરવા ઈચ્છે છે.
જીવનમાં સારી શરૂઆત દ્વારા તકો મળે છે. જો અસમાનતાનો પૂર્ણપણે અંત લાવવો અવાસ્તવિક લક્ષ્ય છે, તો શિક્ષણ અને આરોગ્ય સેવાઓ દ્વારા તકોની સમાનતા હાંસલ કરવી યોગ્ય છે. ભારતે આરોગ્ય શિક્ષણ સંસ્થાઓમાંથી બહાર પડતા વિદ્યાર્થીઓની ગુણવત્તા પર ધ્યાન આપવું જોઈએ. સરકારે સ્કૂલો કે હોસ્પિટલો ચલાવવાની જરૂર નથી પણ તેના માટે અસરકારક વ્યવસ્થા ઉભી કરવી પડશે. બજેટમાં માપદંડો પર પણ ધ્યાન આપવું પડશે.
નાગરિકોના ભવિષ્યની તકોમાં મોટું અંતર હોવાથી ઘણા નારાજ થાય છે. કુદરતાના પક્ષપાત સામે પણ આપણે નારાજ હોઈએ છીએ. કોઈ સુંદર વ્યક્તિને નોકરીમાં મારા કરતા વધારે પૈસા કેમ મળવા જોઈએ? કાર્યસ્થળો પર પદની ઉંચનીચની માનસિકતા પણ ઘણાને પીડા પહોંચાડે છે. 'બૉસ જે ઈચ્છે છે સાચું હોય છે' અથવા તો રાજકારણમાં 'બેટા, મારા પગે પડ, હું તને મારી છત્રછાયા આપીશ'. રોહિત વેમુલા પ્રકરણ એટલા માટે ઝળક્યું કારણ કે યુનિવર્સિટી તેને આપી શકી નહીં જેના માટે તે હકદાર હતો. તમામ બાબતોને ભલે આપણે ઉકેલી શકીએ નહીં પણ આપણે લોકોને તકો આપીને તેમના માટેપરિસ્થિતિમાંથી બહાર આવવાનો દરવાજો ઉઘાડી શકીએ છીએ.
જો આપણને અસમાનતા પક્ષપાતપૂર્ણ લાગતી હોય તો આપણે તેને સ્વીકારી લીધી હોત. સરેરાશ માણસની પ્રગતિ થતી રહેશે તો તે ક્યારેય અસમાનતાની ચિંતા કરશે નહીં. સુવ્યવસ્થિત સમાજમાં સંસ્થાઓનું સર્જન રીતે કરવામાં આવે છે કે સૌથી નીચલા સ્તરના સમુદાયની સ્થિતિ સુધારાવાના પુરસ્કાર તરીકે સંપન્નોને ફાયદો મળતો હોય છે. જો વર્કરને લાગતું હશે કે સીઇઓની પ્રગતિનો ફાયદો તેમને પણ મળી રહ્યો છે ત્યારે તે સીઇઓનું વેતન સેંકડોગણું વધારે હશે તો પણ વિરોધ કરશે નહીં. અમેરિકી ચિંતક જૉન રોલ્સે વિચારને પોતાના પુસ્તક 'થિયરી ઑફ જસ્ટીસ'માં સારી રીતે સમજાવ્યો છે.
ગત દિવસોમાં થયેલી સમાનતાની ચર્ચાએ 1991ના દિવસોની યાદ ફરી તાજી કરી દીધી છે. વિદેશીઓ અહીં આવે છે ત્યારે તેમને આશ્ચર્ય થાય છે કે સામ્યવાદના અંત સાથે જે વિવાદ ખતમ થઈ જવો જોઈતો હતો તેના પર આપણે આજે પણ ચર્ચા કરી રહ્યા છીએ. તમે અમીરોને ગરીબ બનાવીને ગરીબોને ધનિક બનાવી શકો નહીં. એક ફ્રેન્ચ વિદ્વાને વિરોધાભાસને દર્શાવતા એવું કહ્યું હતું કે, 'આર્થિક વિકાસ ગરીબ વિરોધી છે કે ગરીબોના હિતમાં એવી ચર્ચા તમે કરી રહ્યા છો, બીજી તરફ ચીન ઉદ્યોગ-વ્યવસાયોમાં ધરખમ પ્રગતિ કરી રહ્યું છે અને લાખો લોકોને ગરીબીના ખપ્પરમાંથી બહાર કાઢી શક્યું છે.
તો આવો, અસમાનતાની વાતો છોડો સિવાય કે તેના કારણે મોટાપાયે અપરાધો થયા હોય કે ધરખમ નુકસાન થયું હોય. પરિણામોની સમાનતાનો વિચાર કરતી દુનિયાની કલ્પના માત્ર મુશ્કેલ નહીં પણ ખતરનાક પણ છે. સોવિયેટ સંઘ અને માઓના ચીનમાં આપણે જોઈ ચૂક્યા છીએ. લોકશાહી ઢબના મૂડીવાદ થકી આપણે ઘણું હાંસલ કરી શકીએ છીએ એમાં શંકા નથી. વિકસિત પશ્ચિમમાં અસમાનતા સમસ્યા બની ગઈ છે કારણ કે ત્યાં નોકરીઓ ગુમાવવાથી મધ્યમવર્ગ મુશ્કેલીમાં છે. પણ ભારતમાં આપણે કેટલાક લોકો અત્યંત ધનિક બની જાય તેનાથી ચિંતિત થવાની જરૂર નથી. તેઓ સમાજમાં સ્ત્રોતમાં વધારો કરે છે અને રોકાણ માટે વધારાનું ભંડોળ પેદા કરે છે. એક રીતે કહીએ તો તેઓ આડકતરી રીતે આર્થિક અસમાનતા દૂર કરવા પ્રયાસરત હોય છે.
આપણે તકોની અસમાનતા માટે લડાઈ ચાલુ રાખવી જોઈએ અને નોકરીઓ પેદા કરવા, સ્કૂલોની સ્થિતિ સુધારવા અને દરેક સુધી સારી આરોગ્ય સેવાઓ પહોંચતી કરવા શક્ય તમામ પ્રયાસો કરવા જોઈએ.